૧૯૪૭ થી ૨૦૧૨ સુધીની ભારતની યાત્રાનું વિશ્લેષણ કરીશું તો ધ્યાનમાં આવશે કે મૂળભૂત ભારતીય ચિંતન અને તત્ત્વજ્ઞાનને છેહ આપી સમાજવાદ, સામ્યવાદ, મૂડીવાદ વગેરે વિલાયતી વાઘા જ્યારે જ્યારે પહેર્યાં ત્યારે આપણી વિકાસયાત્રા ખંડિત બની છે.
તહેવારો નજીક હોય અને શિયાળાના પગરવનો પ્રારંભ થવાનો હોય ત્યારે આંબા યાદ કેમ આવ્યા ? આ પ્રશ્ન વાચકોના મનમાં સ્વાભાવિકરૂપે આવી શકે.
આપણી માતૃભાષામાં એક સરસ કહેવત છે 'ઉતાવળે આંબા ન પાકે.' તહેવારો પહેલાં ગૃહિણીઓ ખરીદી માટે જશે ત્યારે અનેક મૂંઝવણ અને સંકડામણ વચ્ચે બજારમાં પગ મૂકે તેવી આર્થિક સ્થિતિ નિર્માણ થઇ છે.
બજારમાંથી શું શું ખરીદવું તેની યાદી તો ઘરના સભ્યો સાથે બેસીને ચોક્કસ બનાવી શકાશે પરંતુ આ યાદીને ન્યાય આપવાની આર્થિક ક્ષમતા કેવી રીતે ઊભી કરવી એ મૂંઝવણમાં અનેક ગૃહિણીઓના બલ્ડપ્રેશર વધી જશે તે નિશ્ચિત છે.
આર્થિક ઉદારીકરણ
ભારત દેશ આજકાલનો નિર્મિત દેશ નથી. ૧૯૪૭થી જન્મ પામેલો દેશ પણ નથી. શાસન પદ્ધતિમાં એકીકરણ, બ્રિટિશ સલ્તનત વખતે નિર્માણ થયું, પરંતુ સાંસ્કૃતિક,
સામાજિક, રાષ્ટ્રીયતાના દૃષ્ટિકોણથી ભારત આદિઅનાદિકાળથી એક જ ઘટક રહ્યું છે. આ હકીકત ભાવિ પેઢીના મનમાંથી નાબૂદ થાય તે માટે અંગ્રેજોએ અપનાવેલ નીતિ, શિક્ષણ પદ્ધતિ અને શાસનપ્રક્રિયાને કમનસીબે સ્વતંત્ર ભારતના શાસનકર્તાઓએ પણ ચાલુ રાખી.
મહાત્મા ગાંધીજીના અનુયાયી હોવાનો દાવો કરનારાઓએ જ મહાત્માજીના આગ્રહ તેમજ વિચારધારાની ઘોર ખોદવાની પહેલ કરી. સ્વતંત્ર ભારત માટે ગાંધી વિચાર-સામાજિક તેમજ આર્થિક પાસાને દફનાવી દેવાતા ભારત એ પોતાની અસ્મિતા ગુમાવી,સ્વત્વ ગુમાવ્યું.
૧૯૯૦ના દશકથી પાશ્ચાત્ય જગત તેમજ આઇ.એમ.એફ. કે વર્લ્ડ બેંકના દબાણ વશ ભારતની કેન્દ્ર સરકારે ઉદારીકરણ,ખાનગીકરણ વૈશ્વિકકરણ ની નીતિ અપનાવી તેના દુષ્પરિણામ સ્વરૂપ એલપીજી ગેસ માટે હવે મારા તમારા અને સૌના ઘરોમાં'હોળી' પ્રગટાવશે.
ભારતીય જનતાની ક્ષમતા, સામાજિક રીતિનીતિ, ભૌગોલિક વિષમતાઓ સહિતના અનેક પાસાઓ વિશ્વના અન્યોન્ય દેશો સાથે તુલના ન કરી શકાય તેવા છે.
અમેરિકા, યુરોપ, દક્ષિણ-પૂર્વે એશિયાઇ દેશોમાં આર્થિક નીતિઓ અપનાવવામાં આવે તે ભારત કે આફ્રિકી દેશોમાં ઠોકી બેસાડવામાં આવે તો નુકસાન ભારત કે આફ્રિકી દેશોની જનતાને જ છે. આટલી સરળ વાત આપણા દેશના શાસકો સમજતા નથી. સમજવા માંગતા નથી કે આ પ્રકારની અભારતીય અર્થનીતિ અપનાવવામાં શાસકોને મોટો દલ્લો મળે છે ?
ભારતની જનતા અને શાસકો પાસેથી વાસ્તવિક તથ્યો જાણવાનો અધિકાર છે. પરંતુ સોસાયટીના કોમન ગ્રાઉન્ડ, ચાની લારી કે પાનના ગલ્લાં પર હૈયાવરાળ કાઢવાથી શાસકોના પેટનું પાણી હાલવાનું નથી એટલું પણ આપણે કેમ સમજતાં નથી ?
રાજકીય યુદ્ધનો મુદ્દો
મમતા, મુલાયમસિંહ, માયાવતી વગેરે રિટેલ ક્ષેત્રે વિદેશી પુંજીનિવેશ, ડિઝલ પર સબસિડીના ક્રમશઃ ઘટાડો, એલપીજી ગેસ સિલિન્ડર પર સબસિડીનો ટાડો વગેરે મુદ્દાઓ પર કેન્દ્ર સરકારનું સમર્થન કરે કે વિરોધ કરે. મારા-તમારા ખિસ્સાના ખર્ચની ચિંતા તો નથી જ કરતાં તે હકીકત છે.
જનઆક્રોશ વ્યાપક હોવા છતાં તે વિસ્ફોટ સ્વરૂપે પ્રગટ નથી થતો કારણ દરેક રાજકીય પક્ષ સ્વાર્થનીતિમાં રચ્યાપચ્યા જોવા મળે છે.
૧૯૪૭ થી ૨૦૧૨ સુધીની ભારતની યાત્રાનું વિશ્લેષણ કરીશું તો ધ્યાનમાં આવશે કે મૂળભૂત ભારતીય ચિંતન અને તત્ત્વજ્ઞાનને છેહ આપી સમાજવાદ, સામ્યવાદ, મૂડીવાદ વગેરે વિલાયતી વાઘા જ્યારે જ્યારે પહેર્યા ત્યારે આપણી વિકાસયાત્રા ખંડિત બની છે.
વર્તમાન કેન્દ્ર સરકાર ચલાવનાર રાજકીય પક્ષો અનેક વર્ષોથી સત્તાના સૂત્રો હાથમાં હોવા છતાં અનિર્ણાયક મનોદશામાં ભારતનું અઙિત જ કર્યું છે. આ અનિર્ણાયક અહિત અંગે એટલી વ્યાપક બુમરાણ મચી કે અચાનક ઊંઘમાંથી સફાળા જાગીને હાથપગ હલાવવા લાગીએ. તેમ કેન્દ્ર સરકાર આર્થિક નીતિઓને વેગ આપવા કટિબદ્ધ બનવાનો ડોળ કરવાનું શરૂ કર્યું.
રાજકીય પક્ષોની વિચારધારા અલગ અલગ હોઇ શકે. લોકશાહીની મજબૂતી માટે વૈવિધ્ય આવશ્યક પણ છે. આમ છતાં ભારત હિત કેન્દ્રસ્થાને ન હોય તો વિચારધારા, પક્ષ કે પક્ષના નેતાઓ ગમે તેટલા સારા હોય તો પણ તેમને ભારતની પ્રજા પર દમન કરવાનો કોઇ અધિકાર નથી.
જમીન સાથે નાતો ક્યાં ?
એ.સી.કાર, એ.સી. ચેમ્બરમાં બેસી નીતિ નિર્ધારણ કરનારા શાસકો પ્રજાનું વાસ્તવિક દુઃખદર્દ ક્યારેય સમજી નહિ શકે.
દેશનું કુલ મળીને અર્થતંત્ર ગતિશીલ બનશે તેવો દાવો કરનાર સરકાર કરોડો ઘરોના અર્થતંત્ર ભાંગી જશે તેનો વિચાર ક્યારે કરશે?
કેન્દ્રના નાણાપ્રધાન આર્થિક ઉદારીકરણના પ્રણેતા તરીકે પોતાની છબી ઉપસાવવા વલખાં મારતાં હોય અને શેરબજાર તેમને વધાવી લે તેનાથી મારા-તમારા ઘરમાં તહેવારો સારી રીતે પાર પડશે ખરાં ?
વોલમાર્ટ જેવી કંપની તેના મૂળ દેશમાં વિરોધના વંટોળમાં ફસાઇ હોય તેને આવકારવા વયોવૃદ્ધ વડાપ્રધાન તલપાપડ થતા હોય ત્યારે આપણાં રહેણાક વિસ્તારમાં આવેલ નાની દુકાન ધરાવતા ગાંધીને આત્મહત્યાના વિચારો આવવા લાગે છે તે દિલ્હી સ્થિત શાસકો કેવી રીતે જાણી શકે ?
દૂર સુદૂર જન જન વચ્ચે ફરી વાસ્તવિક યાતના જાણવાની મનોવૃત્તિ રાજકીય ફલક પરથી ગાયબ થઇ ગઇ છે. આપણા દેશની લોકશાહી લોકો માટે, લોકો દ્વારા, લોકો થકી નથી રહી. આપણી લોકશાહીમાં સ્થાપિત હિતોના રક્ષણ-પોષણ અને પ્રજાના શોષણ માટેની વ્યવસ્થાઓ બનાવવામાં આવી રહી છે.
ઘાસ ખાતા કરવાનું ષડયંત્ર
વિદેશી પુંજીનિવેશ વગર ભારતનો વિકાસ સંભવ જ નથી તેવું માનનારા આપણી પર દમન કરી નીતિઓ થોપી રહ્યાં છે. ભારતના બુદ્ધિ કૌશલ્ય, પરિશ્રમશીલતા અને લઘુ-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાને બદલે વિદેશી કંપનીઓના દલાલ બની શાસન કરનારા આપણને આંબા ખવડાવવાના સ્વપ્ન દેખાડી ઘાસ ખાતા કરી મૂકશે. જો આયાતી આર્થિક નીતિઓ ભારત માટે હિતકારી સાબિત થઇ હોત તો બાવીસ વર્ષના ગાળા બાદ આટલી આર્થિક અસમાનતા શા માટે અનુભવવામાં આવે છે ?
બેરોજગારીમાં વૃદ્ધિ,
ભ્રષ્ટાચારમાં વૃદ્ધિ, ફુગાવામાં વૃદ્ધિ, રૂપિયાનું અવમૂલ્યન. અનાજ-કઠોળની પેદાશ ઓછી. ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો. મોંઘવારીમાં સતત વૃદ્ધિ શા માટે ?
વિશ્વના અનેક દેશો એલપીજી આર્થિક નીતિમાં પાયમાલ થઇ ગયા છે. ભારતને આ પ્રકારની પાયમાલી બચાવવાનો સંકલ્પ સામાન્ય જનતાએ લેવો પડશે. આ સંકલ્પમાં બાધક બનતા તમામ તત્ત્વોનો સફાયો કરવા સિવાય ભારતનો સાચા અર્થમાં વિકાસ સંભવ જ નથી.
ભારતની યુવાશક્તિએ અર્થતંત્રને વિદેશી તાકાતોના હાથમાં જતી રોકવા માટે સંઘર્ષ કરવાની નોબત આવી પડી છે ત્યારે પ્રશ્ન થાય છે કે શું ભારતનું યુવાધન આ ગંભીર મુદ્દા અંગે ગંભીર બન્યું છે ખરું ?
No comments:
Post a Comment